આદિવાસી સમાજ ને અપાયેલ સંવિધાનિક હક કઈ રીતે છીનવાય રહ્યા છે જાણો... - myadivasi

Breaking

MyAdivasi

Post Top Ad

News and Beyond

Monday, August 19, 2024

આદિવાસી સમાજ ને અપાયેલ સંવિધાનિક હક કઈ રીતે છીનવાય રહ્યા છે જાણો...



જોહાર સાથીઓ હું આપનો મિત્ર ડો. ભાવિનકુમાર શાંતિલાલ વસાવા, ભરૂચ. આખો આર્ટીકલ વાંચજો .


આસામ, મેઘાલય,ત્રિપુરા, અને મિઝોરમના રાજયો સિવાય અન્ય કોઈપણ રાજયમાં અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત જનજાતિઓના વહીવટ સંબંધિત જોગવાઈઓ બંધારણ ની કલમ 244(1) માં તેમજ બંધારણની પાંચમી અનુસૂચિમાં આપવામાં આવેલ છે.

 

દેશના અન્ય વિસ્તારો કરતાં આ અનુસૂચિત વિસ્તારોની અલગ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે તે વિસ્તારોમાં દેશમાં મૂળ વતનીઓ વસે છે, જેઓ સામાજિક અને આર્થિક રીતે પછાત છે અને તેમની સ્થિતિમાં સુધારો લાવવા માટે વિશિષ્ટ પ્રકારના પ્રયાસો કરવાનું જરૂરી છે. તેથી, રાજ્યમાં સમગ્રપણે જે વહીવટીતંત્ર સામાન્યતઃ કાર્યરત છે તેનું વિસ્તરણ અનુસૂચિત વિસ્તારો માટે કરવામાં આવ્યું નથી અને આ વિસ્તારો માટે કેન્દ્ર સરકારે કંઈક વધારે મોટી જવાબદારી સ્વીકારી છે.

 

રાજ્યની વહીવટી સત્તા તે રાજ્યમાં રહેલા અનુસૂચિત વિસ્તારોને લાગુ પડે છે. રાજ્યપાલ દર વરસે અથવા રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યારે અનુસૂચિત વિસ્તારોના વહીવટ સંબંધિત અહેવાલ રાષ્ટ્રપતિને મોકલે છે. આ વિસ્તારોના વહીવટ સંબંધે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને સૂચના આપી શકે છે.

 


રાષ્ટ્રપતિ હુકમ જારી કરીને કોઈપણ વિસ્તારને અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરી શકે છે આવા વિસ્તારો બિહાર, ગુજરાત, મધ્યપ્રદેશ અને તામિલનાડુમાં આવેલા છે.

 

રાષ્ટ્ર કે રાજ્ય માં જે કોઈ કાયદા લાગુ કરવામાં આવતા હોય છે, તે કાયદા સીધે સીધા આદિવાસી વિસ્તાર એટલે કે અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત જનજાતિઓના વિસ્તાર માં સીધે સીધા લાગુ પડી સકતા નથી. જો કોઈ કાયદો બને તો તે કાયદામાં આ વિસ્તારો માં રહેતા આદિવાસી ના હિતોનું ધ્યાન રાખી ને જરૂરી ફેરફાર કરવાના થાય છે. અને ત્યાર બદાજ તે કાયદા આ વિસ્તાર માં અમલી કરવાના થાય છે.

 

જયારે કોય પણ કાયદો રાજ્ય માં અમલમાં આવે ત્યારે તે માટે ટ્રાયબલ એડવાઈ ઝરી કાઉન્સિલ (TAC) ના અભિપ્રયા લેવાનો થાય છે. ટ્રાયબલ એડવાઈ ઝરી કાઉન્સિલ (TAC) આદિવાસી વિસ્તારો ની ગ્રામસભા સાથે પરામર્શ કરી ને પોતાનો અભિપ્રાય રાજ્યપાલ શ્રી ને મોકલે છે અને ત્યાર બાદ રાજ્યપાલ શ્રી તેને રાષ્ટ્રપતિ શ્રી ની મંજુરી માટે મોકલે છે. રાષ્ટ્રપતિ શ્રી ની મંજુરી બાદજ આ કાયદા આદિવાસી વિસ્તારોમાં લાગુ થઇ સકે છે.

પરંતુ અત્યારે જે કાયદા રાજ્ય માં અમલમાં છે તેમાં મોટાભાગના કાયદાઓમાં આ આખે આખી પ્રક્રિયા બાયપાસ કરવામાં આવી છે. જે અમારા મત મુજબ આદિવાસી લોકોના સંવિધાનિક હક પર સીધે સીધી તડાપ મારવામાં આવી રહી છે અને આના કારણે આદિવાસી સમાજ ના લોકોના સંવિધાનિક હક સરેઆમ છીનવાય રહ્યા છે.


આબાબતોના ઉદાહરણ જોઈએ તો..

પહેલા બિનખેતીની મંજુરી તાલુકા પંચાયત અને ગ્રામપંચાયત ના હસ્તક હતી આ વખતે આદિવાસી વિસ્તાર માં બિનખેતીની મંજુરી માટે ગ્રામ સભાના ઠરાવ – મંજુરી લેવી ફરજીયાત હતી. પરંતુ અત્યારે બિનખેતી માટે ની મંજુરી કલેકટર હસ્તક છે અને તેમાં પણ ઓનલાઈન પ્રક્રિયા છે. આ આખી પ્રક્રિયામાં ગ્રામ સભાના ઠરાવ – મંજુરી લેવામાંજ નથી આવતી. અને કલેકટર તેમની ઓફીસ માં બેઠા બેઠા બધા સપના આવી જાય છે અને બિનખેતીની મંજુરી ગ્રામસભાની મંજુરી વગર આ આદિવાસી વિસ્તારોમાં પણ આપીદે છે. આદિવાસી વિસ્તારોમાં સ્થાનિક લોકો ખેતી અને પશુ પાલન પર નભતા હોય છે. હવે સમજીએ એ કોય એક જમીન માટે બિન ખેતીની મંજુરી આપવામાં આવી અને તેમાં સિલિકા વોશિંગ પ્લાન્ટ, ક્રસર કે ખનીજ સ્ટોકીસ્ટ સ્થપાય છે તો આજુબાજુ ની કેટલાય એકરોની જમીનો પર આડ અસર થાય છે. અને તેની સીધી અસર આખે આખા આદિવાસી અને સ્થાનિક લોકોના પરીવારોપાર થતી હોય છે. આ ઉદ્યોગો ના માલિકો મોટા ભાગના લોકો બહારથી આવેલ હોય છે, તે લોકો માત્ર પોતાનો ધંધો કરાવા અને પૈસા કમાવા માટેજ આ વિસ્તાર માં આવે છે. આમ આ બધી પ્રક્રિયા સીધે સીધું આદિવાસી ના હક – અધિકાર અને જીવન શૈલી પર તડાપ મારવા જેવું જ છે.

 

આજ રીતે આદિવાસી વિસ્તારોમાં ખાણ ખનીજ કાયદા નું છે, લાગુ કાયદા અને પેસા એક્ટ મુજબ ખાણ ખનીજ ને લાગુ કાર્યો માટે ગ્રામ સભાની પૂર્વ મંજુરી જરૂરી છે. પરંતુ ખનીજ સ્ટોકીસ્ટ રજીસ્ટ્રેસન જે ખનીજ  સંગ્રહ કરવા માટે છે જે ખાણ કામ ને લાગુ પ્રક્રીયાજ છે તેના માટે ગ્રામ સભાની મંજુરી લેવા બાબત નું પાલન કરવામાં આવતુજ નથી.


આદિવાસી વિસ્તારોમાં ખનીજ ની લીઝો, GMDC, GIDC, SOU, ડેમો, કેનાલો વગેરે જેવા સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અને પરી યોજનાઓ આવે છે. હજારો હેક્ટર જમીનો આવિસ્તાર માં આ યોજનાઓના બાના હેઠળ સંપાદન કરવામાં આવે છે. તમારું શું માનવું છે, એમ કહી સકાય કે છીનવવામાં આવે છે?. જે માં મોટાભાગની એટલે કે બધીજ જમીનો આદિવાસી વિસ્તારની અને આદિવાસી લોકો ની છે, અને આ આદિવાસી ને આ જમીનો માટે સંવિધાનિક હક મળેલા છે. પરંતુ સરકાર કહે છે કે દેશ હિતમાં અને દેસના લોકોના હિતમાં આ સંપાદન થવું જરૂરી છે. ત્યારે, સંપાદન થયા પછી સ્થાનિક આદિવાસી માત્ર બેકાર અને જમીન વિહોણા થતા જાય છે. આ યોજનાઓ માં જમીન ગુમાવનાર આદિવાસી લોકોને રોજગારી, ધંધા કે નોકરી મળતી નથી. બધા બહારથી આવનારા લોકો બધા લાભોનો લાવો ઉઠાવતા હોય છે. અધિકારી અને સરકાર આજ જમીનો ઉચા ભાવે વેચે છે. જો વેચે છે તો એમાં દેસનો વિકાસ કે પછી એમનો વિકાસ? કે પછી આદિવાસી લોકોનું સીધે સીધું સોસણ?

 

ત્યારેજ અમારું સરકાર ને પૂછવું છે કે જે દેસના વિકાસ ની તમે વાત કરો છો તે દેશનાજ આ આદિવાસી લોકો  નથી? શું એમને રોજગારી, ધંધા,શિક્ષણ કે નોકરી મળી ગઈ છે? શું તેમને વિકાસ ની જરૂર નથી? શું જેલોકોને તમે આ જમીનો પર વસાવી રહ્યા છો એમનાથી પણ વધુ વિકાસ આ જમીન ગુમાવનાર આદિવાસી લોકોનો થઇ ગયો છે?

 


આ સમયે આ આદિવાસી વિસ્તારો અને જંગલમાં આવતા પ્રોજેક્ટ માં રોકાણ કરતા લોકોને અમારી નમ્ર અરજ છે કે આ પ્રકારના પ્રોજેક્ટ માં રોકાણ કરતા પહેલા થોડું વિચારો અને અહિયાં રોકાણ કરવાનું ટાળો. જેથી જંગલો, હવા, પાણી, પશુ – પક્ષી અને લોકોનું રક્ષણ થઇ શકે. આદિવાસી સમાજ એક એવો સમાજ છે જે જંગલોનું રક્ષણ અને જતન વર્ષોથી કરતા આવ્યા છે. જો આદિવાસી જ નહિ હોય તો પછી તમે જંગલો બચશે તેવી કલ્પના પણ કરી શકો છો? શુદ્ધ હવા પાણી માટે તો બધાને જંગલો ની જરૂર છેજ એ મારે સમજાવવાની જરૂર નથી.

 

સંવિધાન સભા દ્વારા આદિવાસી સામજ ના લોકોના હક બાબતે આ બધી બાબતો નું ધ્યાન રાખીનેજ તો જયારે આદિવાસી ને ભારત ના બંધારણ ની કલમ 244(1) મુજબ બંધારણની પાંચમી અનુસૂચિ મુજબ ના આદિવાસી વિસ્તાર જાહેર કરી શુરક્ષિત કર્યા છે. અને તે ભારત ના સંવિધાન માં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે આદિવાસી ના હક સુરક્ષિત રહે, અને આદિવાસી લોકો પોતાની રૂઢી પ્રથા, જીવન શૈલી, બોલી – ભાસા, વગેરે  સાચવી પોતાનું જીવન ગૌરવ થી ગુજારી શકે.


અત્યારે જુદી જુદી રીતે કાયદા કાનુનનું ખોટું અર્થ ઘટન કરીને આદિવાસીના સંવિધાનિક હક છીનવવા અલગ અલગ કાવા દાવા કરવામાં આવી રહ્યા છે. જો વિકાસ ની એટલીજ ઝખના વધી ગઈ હોય તો સમુદ્ર, આજુબાજુ ના દેશો અને ત્યારબાદ ચંદ્ર, મંગળ બધે આ અધિકારીઓ અને નેતાઓ પોતાના વિકાસ નું કામ ચાલુ કરે બધું ખુલ્લુજ છે. તો પછી શા માટે માત્ર આદિવાસી વિસ્તાર?

 

આદિવાસી ના આ રીતે જે સંવિધાનિક હક છીનવાય રહ્યા છે તે માત્ર ભારત ના બંધારણ ની કલમ 244(1) નું ઉલંઘન નથી પરંતુ સ્વમાન ભેર જીવન જીવવાના સંવિધાનિક હકનું પણ ઉલંઘન છે. શું આ એક પ્રકાર નું દેશમાં રેહતા લોકો પર થઇ રહેલ એક છૂપું  આક્રમણ નથી? શું આ એક ષડ્યંત્ર જેવુજ નથી? આ જે આદિવાસી વિસ્તારો માં આવેલા જંગલો નું છેદન આખે આખા દેશ વિરોધી કૃત્ય નથી? શું આ પર્યાવરણ પર જોખમ નથી?

 

આદિવાસી સંગઠનો અને લોક પ્રતિનિધિ ઓએ અને ભારત દેસમાં રહેતા બધાજ સમાજ ના બધાજ લોકોએ આના પર યોગ્ય પગલા લેવા જોઈએ. આપે આ આખો આર્ટીકલ વાચ્યો તે બદલ આભાર. બીજાને પણ મોકલજો.

 

જોહાર

ડો. ભાવિનકુમાર શાંતિલાલ વસાવા

ભરૂચ

*નોધ: માહિતીમાં સુધારા વધારાની સંભાવના અમે સ્વીકારીએ છીએ.



No comments:

Post a Comment

Post Top Ad

News and Beyond